GSTV
Gujarat Government Advertisement

નવી ઔદ્યોગિક નીતિના સપનાને સાકાર કરવાનું બજેટ!, બે લાખને સરકારી નોકરીના વચન આપતું કરવેરા વિનાનું બજેટ

Last Updated on March 4, 2021 by

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા ૨૦૨૧-૨૨ના વર્ષના બજેટનું કદ રૂા. ૯૭૪૨ કરોડ વધારીને રૂા. ૨,૨૭,૦૨૯ કરોડનું કર્યું છે. બીજીતરફ આ બજેટમાં હયાત વેરાના દરમાં કોઈપણ ફેરફાર કર્યો નથી. તેમ જ કોઈ નવા વેરાનો બોજ જનતાને માથે નાખ્યો નથી. કોરોનાની મહામારીને પરિણામે લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી હોવાથી સરકારે કોઈ જ નવો વેરો ન નાખવાનો નિર્ણય કર્યો છે. છતાંય વર્ષને અંતે રૂા. ૫૮૭.૮૮ કરોડની પુરાંત રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

બજેટ

છતાંય વર્ષને અંતે રૂા. ૫૮૭.૮૮ કરોડની પુરાંત રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો

વર્ષ દરમિયાન રૂપિયા ૧,૬૭,૯૬૯ કરોડની મહેસુલી આવક થવાનો અને રૂપિયા ૧,૬૬,૭૬૦.૮૦ કરોડનો મહેસુલી ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આ પગલાં લઈને કોરોનાની મહામારી વચ્ચે પણ અર્થતંત્રને વેગ આપવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને રસ્તાઓ, સિંચાઈની વ્યવસ્થા, વીજળી અને બંદરના વિકાસ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે નવા આયોજન કરી મોટી રકમની ફાળવણી કરીને સરકારે માળખાકીય સુવિધાને સંગીન બનાવવાનું આયોજન કર્યું છે. તેની સાથે નવી ઔદ્યોગિક નીતિ, સોલાર પાવર પોલીસી અને પ્રવાસન નીતિના માધ્યમથી રોજગારી સર્જન કરવા પર ફોકસ કર્યું છે. તદુપરાંત આગામી પાંચ વર્ષમાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ-નિગમ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કચેરીઓમાં લાયકાત ધરાવતા બે લાખ યુવાનોની ભરતી કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. સમગ્ર બજેટની કુલ રકમના ૫૯ ટકા રકમ વિકાસ કાર્ય માટેના ખર્ચ પેટે ફાળવવામાં આવી છે.

સમગ્ર બજેટની કુલ રકમના ૫૯ ટકા રકમ વિકાસ કાર્ય માટેના ખર્ચ પેટે ફાળવવામાં આવી

નાણાં મંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના માટે રૂા. ૧ લાખ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના હેઠલ ૧૪ જિલ્લાના ૫૩ તાલુકામાં આવેલા ૫૮૮૪  ગામના ૯૦ લાખ આદિજાતિ સમાજની પ્રજાને વ્યક્તિગત અને સામુદાયિક લાભ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૨માં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું

આ જ લાઈન પર આગળ વધતા સાગરખેડૂ યોજના હેઠળ વિકાસના કામો માટે રૂા. ૫૦,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ માટે સાગરખેડૂ સર્વાંગ કલ્યાણ યોજના-૨ અમલમાં મૂકવામાં આવશે. તેનો લાભ ૧૫ જિલ્લાના ૩૯ તાલુકાના ૨૭૦૨ ગામના અંદાજે ૭૦ લાખ લોકોને લાભ મળશે. લોકોને છૂટ્ટે હાથે લાભ આપીને પોતાની તરફેણમાં રાખવાની આ કવાયત હોવાનું માનવામાં આવે છે.

નાણાં મંત્રીએ જાહેર કર્યું હતું કે પાંચ વર્ષમાં ફાર્માસ્યૂટિકલ્સ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ.ટી., ટુરિઝમ, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બૅન્કિંગ, સર્વિસ સેક્ટર, સહિતના અલગ અલગ સેક્ટરમાં ૨૦ લાખ યુવાનોને રોજગારી પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી પાંચ વર્ષમાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ-નિગમ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કચેરીઓમાં લાયકાત ધરાવતા બે લાખ યુવાનોની ભરતી કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો સમાજના ગરીબ વર્ગના દરેકને ખુશ કરવાના ફોકસ સાથે બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. 

સાગરખેડુ યોજનાથી 2702 ગામના 70 લાખ લોકોને લાભ મળશે

વેપાર ઉદ્યોગને પણ બજેટમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ચાર નવા ઔદ્યોગિક પાર્ક બનાવવાનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મા અને ટેક્સટાઈલ સેક્ટર માટે ચાાર મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવી રહ્યા છે. સ્ટાર્ટ અપ ઇન્નોવેશન યોજના હેઠળ દરેક સ્ટાર્ટ અપને મહિને રૂા. ૨૦,૦૦૦ અથવા તો મહિલા ઇન્નોવેટરના કિસ્સામાં ૨૫ ટકા એલાઉન્સ આપવા માટે રૂા. ૨૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ગુજરાતના ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે તે માટે ક્વોલિટી કંટ્રોલ અને લેબ ટેસ્ટિંગ ફેસિલિટીની કોમન સુવિધા પ્રાપ્ત થાય તે માટે મિનિ ક્લસ્ટર યોજના તૈયાર કરવા રૂા. ૧૪ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. 

ગુજરાતના પ્રવાસનના સ્થળો આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા મળી રહે તે રીતે ડેવલપ કરવાનું બજેટના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે. તેના થકી સ્થાનિક સ્તરે રોજગારી નિર્માણ થાય તેમ હોવાથી તેના પર ફોકસ કરવામાં આવ્યું છે.  આ માટે રૂા. ૪૮૮ કરોડની તથા પ્રવાસનના વિકાસને વેગ આપવા આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે રૂા. ૩૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બુદ્ધ સર્કિટના સ્થાન દેવની મોરી, ખંભાલીડા, શાણા, સિયોટ, વાલ્મિકીપુર જેવા સ્થળોએ પ્રવાસનની અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. 

કુદરતી ખાતરની ખેતપેદાશોનું અમદાવાદ,  વડોદરા, રાજકોટ, સુરતમાં સીધું વેચાણ 

ગુજરાત સરકારના આજે રજૂ કરવામાં આવેલા બજેટમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી થકી પેદા કરવામાં આવેલા ફળનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ખેડૂતો દ્વારા સીધું વેચાણ કરવાની વ્યવસ્થા કરીને ઓર્ગેનિક એગ્રીકલ્ચરના માર્કેટિંગને પ્રોત્સાહન આપતી યોજના માટે રૂા.૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જ રીતે ખેડૂતોને હવામાં અનેગ સમયસર માર્ગદર્શન મળી રહે તે માટે ૧૮૦૦ ઓટોમેટિક વેધરસ્ટેશનની સ્થાપના કરવા રૂા. ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાત પગલાં ખેડૂત કલ્યાણના આયોજન હેઠળ આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ વધુ એક પ્રયાસ છે. કિસાન પરિવહન યોજના, પાક સંગ્રહ યોજના, ગાય આધારિત ખેતી, જીવામૃત સહાય, નાના-સીમાંત ખેડૂતોને અદ્યતા ઓજાર વિતરણ, કાંટાળી વાડ બનાવવા સહાય અને ફળ-શાકભાજી વિક્રેતાઓને છત્રી જેવી યોજના થકી ખેડૂતોને લાભ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કૃષિ બજાર વ્યવસ્થા હેઠળ ખરીદ-વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા માટેની યોજના હેઠળ રૂા. ૭૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

  • ખેડૂતોને હવામાનની જાણકારી મળે તે માટે ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવાશે
  • – ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતો જિલ્લો બનાવાશે
  • – વડોદરા,રાજકોટ,ભાવનગર,જામનગરમાં મેટ્રો રેલ સેવા શરૂ થશે
  • – દસ ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનું
  • – ખેડૂતો સીધુ વેચાણ કરી શકે તે માટે  ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ
  • – ઐતિહાસિક-વારસાગત સ્થાપ્તય ધરાવતી શાળાને હેરિટેજ સ્કૂલ તરીકે નવિનીકરણ
  • – રસીકરણ માટે રાજ્યકક્ષાએ રસીકરણનો સેલ ઉભો કરાશે
  • – સગર્ભા બહેનોના પોષણસ્તરમાં સુધારો લાવવા આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ
  • – આંગણવાડીમાં પા પા પલગી યોજના 
  • – આંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક મળી રહે તે માટે મોબાઇલ ટાવર ઉભા કરાશે
  • – ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્સલન્સ સેન્ટર શરૂ કરાશે
  • – જંબુસરમાં ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-રાજકોટમાં મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 
  • – અમદાવાદ,સોમનાથ,અંબાજી,સાપુતારા,ગીરમાં હેલીપોર્ટ બનાવાશે
  • – કેવડિયાના ૫૦ કિમી વિસ્તારમાં કમલમનુ વાવેતર કરાશે
  • – દિપડાનું મેગા રેસ્કયૂ સેન્ટર બનાવવામાં આવશે
  • – સ્થાનિક માછીમારોને રોજગારી આપવા વ્હેલ શાર્ક ટુરિઝમ વિકસાવાશે
  • – એરપોર્ટ,વોટરડ્રોમની સુરક્ષા માટે નવી વિશેષ બટાલિયનની રચના કરાશે
  • – સાયન્સ સિટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમનુ નિર્માણ કરાશે
  • – વિધાનસભા પરિસરમાં ગુજરાતનો ઇતિહાસ દર્શાવતુ સંગ્રહાલય બનશે
  • – કેવડિયામાં આદિવાસી કલા- સંસ્કૃતિના પ્રચાર  માટે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાવાશે
  • જંબુસર, રાજકોટ, અમદાવાદ,સુરતમાં ફાર્મા અને  ટેક્સટાઈલના ચાર મેગા પાર્ક બનાવાશે

ભારત સરકારે સાત મેગા ટેક્સટાઈલ પાર્ક તૈયાર કરવાનું આયોજન કર્યું છે. આ સાત મેગા ટેક્સટાઈલ પાર્કમાંથી બે મેગા ટેક્સટાઈલ  પાર્ક અમદાવાદ અને સુરતમાં કરવામાં આવે તેવી ધારણા છે. સુરતમાં કૃત્રિમ ફાઈબરમાંથી બનતી વસ્તુઓ માટે અને અમદાવાદમાં કોટન ફાઈબરમાંથી બનતી વસ્તુઓનો મેગાટેક્સટાઈલ પાર્ક તૈયાર કરવાનું આયોજન હોવાનું ગુજરાતના ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષના બજેટમાં નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બે મેગા પાર્ક સુરત અને અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવે તેવી ગણતરી છે.

ટેક્સટાઈલ પોલીસી હેઠળ આવતા ઉદ્યોગોને મદદ કરવા માટે પણ રૂા. ૧૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવી ઉદ્યોગનીતિ હેઠળ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને જુદી જુદી પ્રોત્સાહન યોજના માટે રૂા. ૧૫૦૦ કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે. ભરૂચ નજીક જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તૈયારકરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છેે. તેવી જ રીતે તબીબી સારવાર દરમિયાન જરૂર પડતા ઉપકરણનો અને મેડિકલ ડિવાઈઝ બનાવવા માટે રાજકોયમાં એક અલગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભો કરવામાં આવશે. રોજગારીની તક નિર્માણ કરતાં મોટા ઉદ્યોગો માટે પણ રૂા. ૯૬૨ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33

Leave a Comment

+ 80 = 82