Last Updated on March 3, 2021 by
ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત માટે નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે બજેટ આપતા પહેલા તેમણે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ રહેશે. જો કે કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે.
આ ત્રણ શહેરોને મેટ્રોની ભેટ
બજેટમાં વડોદરા, ભાવનગર અને જામનગરવાસીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં મેટ્રો સેવા બાદ વડોદરા, ભાવનગર અને જામનગર જેવા શહેરમાં પણ મેટ્રો લાઈટ અને મેટ્રો નીઓ જેવી ટેક્નોલોજી વાળી મેટ્રો સેવા આગામી દિવસોમાં ચાલુ કરવામાં આવશે. મેટ્રો સેવા માટે બજેટમાં 50 કરોડની ફાળવણી કરી સરકાર દ્વારા કરવામાં આવી છે.
શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂપિયા 1461 કરોડની જોગવાઇ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો ઉપલ્બધ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકાર વેપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની પૂરી તક મળે તે માટે કામ કરી રહી છે.
સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ 17,86,797 યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવી છે. વૈશ્વિક કક્ષાના તેમજ ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ, ગાંધીનગર ખાતે 20 એકરમાં પીપીપી ધોરણે ટાટા ગૃપના સહકારથી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સ્કીલ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી રાજ્યના યુવાનો માટે રોજગારીની તકો વધશે.
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત એક લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે રૂપિયા 92 કરોડની જોગવાઇ.
- ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી 70 હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂપિયા 50 કરોડની જોગવાઇ.
- યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઇવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટમાં રાજ્યની કુલ 30 ઔદ્યોગિત તાલીમ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે રૂપિયા 33 કરોડની જોગવાઇ.
- નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ધોરણે રાજ્યમાં સ્કીલ ઇકો સિસ્ટમને મજબૂત કરવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂપિયા 30 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે.
- આઇ.ટી.આઇ. નવા મકાનો, વર્કશોપ, થીયરીરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજજ્ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂપિયા 264 કરોડની જોગવાઇ.
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે 1,20,000 બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે, જેના કારણે કામદારોને મુસાફરીના ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે. આ સહાય આપવા માટે રૂપિયા 50 કરોડની જોગવાઇ.
- શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર 10 રૂપિયામાં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ રૂપિયા 35 કરોડની જોગવાઇ.
- ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વધુ 16 આરોગ્ય રથની સુવિધા પૂરી પાડવા રૂપિયા 25 કરોડની જોગવાઇ.
- બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂપિયા 7500ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાન છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂપિયા 5000ની સહાય આપવામાં આવશે. આમ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળક સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ 27,500 આપવામાં આવશે. જેના માટે કુલ રૂપિયા 6 કરોડની જોગવાઇ છે.
- બાંધકામ શ્રમિકોને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ બેંકમાંથી લીધેલી લોન પર પાંચ વર્ષ સુધી, પ્રતિ વર્ષે રૂપિયા વીસ હજારની વ્યાજ સહાય આપવામાં આવશે.
રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું
રાજ્ય સરકાર આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરી રહ્યાં છે. નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે. નીતિન પટેલ આ વખતે 9મી વખત બજેટ રજૂ કરશે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે રેકોર્ડ છે. જે હાલ કર્ણાટકના રાજ્યપાલ છે.
નાણામંત્રી નીતિન પટેલે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે બજેટ 2021-22માં અનેક મોટી જાહેરાતો કરી છે. અહીં જાણો દરેક મહત્વની અપડેટ્સ….
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂપિયા 13,440 કરોડની જોગવાઇ
રાજ્યના શહેરોમાં વસતા 45 ટકા નાગરિકોને પાયાની જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. હવે અમે રાજ્યના શહેરોને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવા તરફ પ્રયાણ કરી રહ્યાં છીએ. ભારત સરકાર દ્વારા શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. તે જ રીતે અમે રાજ્યના નગરોને સ્માર્ટ ટાઉન બનાવવાના વિવિધ આયોજન કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલીકાઓ, મનપા અને શહેરી વિકાસ સત્તા મંડળો માટે 4 હજાર 563 કરોડની જોગવાઈ કરવામાં આવી. નવા 55 હજાર આવાસના નિર્માણ અર્થે સહાય માટે 900 કરોડની જોગવાઈ કરાઈ. અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ હેઠળ 568 કરોડની અને સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ જુથ બનાવી 1 લાખ સુધીનું વ્યાજ રહિત ધીરાણ આપવાની યોજના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી.
શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂપિયા 4544 કરોડની જોગવાઇ. તે પૈકી
- ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા 1169 કરોડની જોગવાઇ.
- જે નગરપાલિકાઓ પાસે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે. પરંતુ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા અપૂરતી છે, તે નગરપાલિકાઓને આવી સુવિધાઓથી વિકસાવવા માટે સહાય આપવા રૂપિયા 500 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા 500 કરોડની જોગવાઇ.
- ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા તેમજ ઇંધણ અને સમયની બચતના હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ફ્લાય ઓવર બનાવવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ.
- શહેરોના વધતા જતા વિસ્તારના કારણે શહેરની નજીકમાં આવેલ ગામડા તથઆ આઉટગ્રોથ વિસ્તારો પણ શહેરમાં સમાવેશ થઇ જાય તેવી સ્થિતિ ઉભી થયેલ છે. આ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૂપિયા 250 કરોડની જોગવાઇ.
- શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટે સ્માર્ટ ટાઉન મિશન હેઠળ અ અને બ વર્ગની નગરપાલિકાઓમાંથી સ્પર્ધા દ્વારા પસંદ કરેલ પાંચ નગરપાલિકાઓમાં વિકાસના કામો માટે પ્રતિ વર્ષ રૂપિયા 20 કરોડ લેખે પાંચ વર્ષમાં રૂપિયા 100 કરોડ ફાળવવામાં આવશે.
- નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા મહાનગરપાલિકાઓના સાધનો ખરીદવા માટે સહાય આપવા રૂપિયા 15 કરોડની જોગવાઇ.
- અમૃત યોજના અંતર્ગત 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન જેવી સુવિધાઓ માટે રૂપિયા 800 કરોડની જોગવાઇ.
- સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 6 શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો જેવા કે એરિયા રિડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, સીસીટીવી, ઇનટ્રનેટ કનેક્ટિવીટી વગેરે માટે રૂપિયા 597 કરોડની જોગવાઇ.
બજેટમાં 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત
રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બજેટમાં 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી છે. સાગરખેડૂ યોજનાથી રાજ્યના દરિયા કિનારના સાગરખેડૂઓ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. માછીમારી અને વહાણવટા સાથે સંકળાયેલા સાગરખેડૂઓના વિસ્તારના વિકાસ માટે છેલ્લા 13 વર્ષમાં 43 હજાર કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્યના દરિયા કિનારાના 15 જિલ્લાના 39 તાલુકાના 2 હજાર 702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારમાં વિકાસમાં નવો અધ્યાય ઉમેરવામાં સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2 મદદ રૂપ બનશે.
કૃષિ ક્ષેત્ર માટે નાણાંમંત્રીના પટારામાંથી શું નીકળ્યું અહીં જાણો
વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે.
કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ હોવાનું નીતિનભાઈએ જણાવ્યું હતું.
- રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ
- ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ
- બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ
- એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.
- ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.
- ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
- ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
- રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.
બાગાયત ખેતીની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ
- બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરાઈ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
- નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ.
નાણા મંત્રી નીતિન પટેલે કરી આ મહત્વની જાહેરાતો
- આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી.
- 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.
- તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે.
- ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.
- ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- નોંધનીય છે કે ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31