Last Updated on March 2, 2021 by
રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જેમ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો તેમ આજે પણ રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે. જેની ખુશીમાં કમલમ ખાતે CM રૂપાણી, સી.આર. પાટીલ સહિત ભાજપના તમામ કાર્યકરોએ વિજયોત્સવની ઉજવણી કરી. આજની આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટા માથાઓનો પણ કારમો પરાજય થયો છે. જેના લીધે તાજેતરમાં જ કોંગ્રેસ બે દિગ્ગજ નેતાઓએ હાર સ્વીકારીને રાજીનામું મોકલ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામાં મોકલ્યાં છે. તેઓએ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી લીધી છે.
ધારાસભ્ય નિરંજન પટેલ સહિત પુત્રનો પણ કારમો પરાજય
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાર થતા કોંગ્રેસની આબરૂના ધજાગરા થઇ ગયા છે. કોંગ્રેસના એક ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત અન્ય બે કોંગી ધારાસભ્યોના પુત્રોનો કારમો પરાજય થયો છે. જેમાં પેટલાદ નગર પાલિકાના વોર્ડ નંબર ત્રણ અને પાંચમાં ઉમેદવારી કરનારા ધારાસભ્ય નિરંજન પટેલનો બંને બેઠકો પર હાર થઇ છે તેમજ સાથોસાથ તેમના દીકરાની પણ હાર થઇ છે.
અર્જુન મોઢવાડિયાના ભાઈ પણ તાલુકા પંચાયતની બેઠક હારી ગયા
આ સાથે જ પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક પર હારી ગયા છે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં વિધાનસભાના દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલ પણ હાર્યા છે.
વિક્રમ માડમના પુત્ર કરણ માડમે પણ હારનો સામનો કરવો પડ્યો
બીજી બાજુ દ્રારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસી નેતા વિક્રમ માડમના પુત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા છે. જિલ્લા પંચાયતની વડતરા બેઠકમાં વિક્રમ માડમના દિકરા કરણ વિક્રમભાઈ માડમ કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા જેઓને 4764 મત મળ્યા છે જયારે અનિલ ભરતભાઈ ચાવડાએ 5033 મત મેળવી વિજય મેળવ્યો છે.
ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજા નિકુંજ પરમારની પણ હાર
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા એમ ત્રણેયમાં કોંગ્રેસનો કારમો રકાસ થતો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસની સાથો સાથ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજા નિકુંજ પરમારનો પણ કારમો પરાજય થયો છે.
ઉલ્લેખનીય છે કે, 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી તેમજ બેમાં ટાઈ પડી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. ભાજપ 31 પર તો કોંગ્રેસ એકેયમાં આગળ નથી.
ગુજરાતમાં ભાજપનો કેસરિયો અને આપ-ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી થતા કોંગ્રેસમાં સન્નાટો
2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ફરી વાર રાજ્યમાં ઠેર-ઠેર ભાજપનો કેસરિયો લહેરાઈ રહ્યો છે. શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામનો જલવો જોવા મળી રહ્યો છે. ભાજપને ખોબે ને ખોબે મત મળી રહ્યાં છે. જેની ભવ્ય ઉજવણી પણ કમલમ ખાતે કરવામાં આવી. 2015માં કોંગ્રેસનો જે જગ્યાઓ પર વિજય થયો હતો એટલે કે જ્યાં કોંગ્રેસના ગઢ કહેવાય ત્યાં પણ આજે પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ધીમી ધારે ગુજરાતમાં એન્ટ્રી કરી રહ્યું છે તો સાથો સાથે ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો છે. ઔવેસીની પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી હતી જ્યારે પંચાયતની ચૂંટણીમાં મોડાસા નગરપાલિકાની 9 બેઠકો પર જીત મેળવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31