Last Updated on March 2, 2021 by
ગુજરાતની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ જાહેર થઇ રહ્યાં છે ત્યારે આજે પણ રાજ્યની અનેક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. એવામાં રાજ્યની પોરબંદર નગરપાલિકાની ચૂંટણીના પરિણામે ભારે ચર્ચા જગાવી છે. કારણ કે, પોરબદરની છાયા નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ઊભા રહેલા ઉમેદવારની ભાજપના મહિલા ઉમેદવાર સામે કારમી હાર થઇ હતી. જો કે, અહીં નવાઇની વાત એ છે કે, આ બંને ઉમેદવારો દિયર ભાભી છે.
દિયર ભાભી સામસામે ઊભા હતાં કોંગ્રેસ-ભાજપમાં
વોર્ડ નંબર 1માં લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર (ભાભી) પાયલ બાપોદરાએ કૉંગ્રેસમાંથી ઊભેલા ઉમેદવાર વિજયભાઈ બાપોદરા (દિયર) ને હરાવ્યા છે. ત્યારે તમને જણાવી દઇએ કે, પાયલ બાપોદરાના પતિ અજય બાપોદરા ભાજપના નેતા છે. પાયલ બહેનની જીતની ચર્ચા સમગ્ર પોરબંદરમાં થઈ રહી છે. મહત્વનું છે કે, તેઓએ અગાઉ ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય અને ગત ડિસેમ્બર માસમાં જ કૉંગ્રેસમાં જોડાયેલા પોતાના દીયરને છાયા નગરપાલિકાની ચૂંટણીમાં હાર આપી છે.
એક જ પરિવારના બે સભ્યો સામસામે ઊભા રહેતા મતદારો પણ મૂંઝાયા હતાં
અત્રે નોંધનીય છે કે, વિજય બાપોદરા કૉંગ્રેસમાં જોડાયેલા તે પહેલાં બોખીરામાં ભાજપના નેતા હતા અને 10 વર્ષથી તેઓ ભાજપમાં જ સક્રિય હતા. જો કે, તેઓ પોતાના 300 ટેકેદારો સાથે મોઢવાડિયાની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતાં. પોરબંદર છાયા નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં એક જ પરિવારના બે સભ્યોએ સામસામે અલગ અલગ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા મતદારો પણ કોને મત આપવો એ બાબતે મુશ્કેલીમાં મુકાયા હતાં.
મારા પતિ 15 વર્ષથી ભાજપમાં જ સક્રિય હતાં જેથી હું ભાજપમાંથી ચૂંટણી લડી
પોરબંદરની છાયા નગરપાલિકાની ચૂંટણી સીધો જ દિયર ભાભી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. વોર્ડ નંબર 1માં ભાજપમાંથી પાયલબેન બાપોદરા જ્યારે કોંગ્રેસમાંથી તેમના દિયર વિજયભાઈ બાપોદરા ચૂંટણી લડ્યા હતાં. ભાજપમાંથી ચૂંટણી લડતા પાયલબેને જણાવ્યું હતું કે, ‘તેમના દિયર કોંગ્રેસની વિચારધારા ધરાવે છે જેથી તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. મારા પતિ અજયભાઈ છેલ્લાં 15 વર્ષથી ભાજપમાં સક્રિય છે. આથી હું ભાજપમાંથી જ ચૂંટણી લડી રહી છું.’
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યાં છે કે 2015માં વાતાવરણ અલગ હતું.
કમલમ ખાતે જશ્નનો માહોલ
ગુજરાતમાં મહાનગરપાલિકા બાદ હવે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ ભગવો લહેરાતા કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કમલમ પર પહોંચ્યાં. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કમલમ પહોંચી ગયાં જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31