Last Updated on March 2, 2021 by
ગુજરાતમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. 2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ફરી ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામે ભાજપને ખોબલે ને ખોબલે મત મળ્યાં છે. 2015માં કોંગ્રેસનો જે જગ્યાઓ પર વિજય થયો હતો ત્યાં પણ આજે પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ધીમી ગતિએ આગળ વધી રહી છે.
જિલ્લા પંચાયતની વડતરા બેઠકમાં વિક્રમ માડમના દિકરા કરણ વિક્રમભાઈ માડમ કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા જેઓને 4764 મત મળ્યા છે જયારે અનિલ ભરતભાઈ ચાવડાએ 5033 મત મેળવી વિજય મેળવ્યો છે. સાબરકાંઠામાં પણ એવુ જ વિધાનસભાના દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલ પણ હાર્યા છે. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. તેમજ બેમાં ટાઈ પડી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. ભાજપ 31 પર તો કોંગ્રેસ એકેયમાં આગળ નથી.
ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે 1.30 વાગે સીએમ વિજય રૂપાણી પણ ઉજવણીમાં હાજર રહેશે. જ્યારે કોંગ્રેસ કાર્યાલયોમાં કાગડાં ઉડી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું.
2015માં શું સ્થિતિ હતી?
2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાં કોંગ્રેસને 595 અને ભાજપને 368 બેઠકો મળી હતી. જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. તો 81 નગરપાલિકાઓમાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કોંગ્રેસને 673 અને અન્યને 205 બેઠકો જ્યારે બીએસપીને 4 બેઠકો મળી હતી. આમ, 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર જોવા મળ્યું હતું.