Last Updated on February 28, 2021 by
રાજ્યમાં ચાલી રહેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વચ્ચે 4:30 વાગ્યા સુધીમાં સરેરાશ 43.71 ટકા મતદાન, તાલુકા પંચાયતમાં 51.54 ટકા મતદાન અને જિલ્લા પંચાયતમાં 49.52 ટકા મતદાન થયું જોવા મળ્યું છે. ત્યારે હવે મતદાન પણ પૂર્ણ થવાના આરે છે. એવામાં અનેક વોર્ડ પરથી EVM માં ખામી સર્જાઇ હોવાના તેમજ ક્યાંક બે પક્ષો વચ્ચે મારામારી થઇ હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
નાડા ગામે બુથ પર જ બે વ્યક્તિઓ વચ્ચે મારામારી
વાત કરીએ પંચમહાલ જિલ્લાની તો પંચમહાલના શહેરાના નાડા ગામે મતદાન દરમિયાન બુથ પર બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. જો કે, સ્થળ પર હાજર પોલીસે મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનાને ધ્યાને લઇને પંચમહાલના એસપીએ મતદાન મથકોની મુલાકાત પણ લીધી હતી. ચાલુ મતદાન દરમ્યાન નાડા ગામની પ્રાથમિક શાળામાં મારામારી સર્જાતા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં.
કેશોદના વોર્ડ નંબર 6માં બે કલાકથી વધુ સમય સમય સુધી ઈવીએમ ખોટવાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અન્ય પણ કેટલીક ઘટનાઓ સામે આવી હતી. જેમાં કેશોદમાં વોર્ડ નંબર-6 ના આંગણવાડી કેન્દ્રમાં મતદાન સમયે બબાલ થઈ હતી. મત રજીસ્ટ્રર્ડ ન થતો હોવાની કેટલાક મતદારોએ ફરિયાદ કરી હતી. ત્યારે મતદાન બંધ રહેતા લોકોના ટોળેટોળાં વળતા મતદાન મથકે કોવિડ નિયમોના ધજાગરા પણ ઉડ્યા હતાં.મતદાન કુટિર-1માં આ ઘટના બની હતી. અંદાજે બે કલાકથી વધુ સમય સમય સુધી ઈવીએમ ખોટકાયેલું રહ્યું હતું. જો કે, બાદમાં કીપેડ બદલવામાં આવ્યું હતું. અધિકારીઓની બેદરકારીથી લાંબા સમય સુધી મશીનમાં ફોલ્ટ રહ્યો હોવાનો પણ મતદારોએ આક્ષેપ કર્યો હતો. જેથી અધિકારીઓ અને મતદારો વચ્ચે બોલાચાલી થતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.