Last Updated on February 27, 2021 by
એક તરફ ડીઝલના ભાવમાં દિવસેને દિવસે ભાવ વધારો થઇ રહ્યો છે જેને લીધે ખેડૂતો માથે આફત આવી છે તો બીજી તરફ સરકારે રાસાયણિક ખાતરના ભાવમાં પણ વધારો કર્યો છે. પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરતા ખેડૂતો ખાતરના ભાવ વધતા રોષે ભરાયા છે. તેની વચ્ચે હવે રાજકીય પક્ષોએ પણ રાજકીય રોટલા શેકવાનું શરૂ કરી દીધું છે. ખાતરના ભાવ વધારા પર ભાજપ કોંગ્રેસ આમને સામાને આવી ગયા છે.
ખાતરભાવ વધારા પર કોંગ્રેસના આક્ષેપો પર ભાજપના પ્રતિઆક્ષેપ
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ખાતરમાં થયેલા ભાવ વધારાને લઇ ભાજપની સરકારને આડે હાથ લીધી હતી. તેઓએ કહ્યું હતુ કે ખેડૂતો ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ ઓળખી ગયા છે. તો બીજી તરફ ભાજપ પ્રવક્તા મહેશ કસવાલાએ કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.
મહત્વની છે રાજ્ય કૃષિ પ્રધાનની પ્રતિક્રિયા
રાસાયણિક ખાતરમાં ભાવ વધારા અંગે રાજ્યના કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખાતર કંપનીઓ દ્વારા ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ભાવ વધારા અંગે કોગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. જેથી કોગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરી રહી છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
જૂનાગઢના ખેડૂતોમાં આક્રોશ
જુનાગઢના ખેડૂતોમાં ખાતરના ભાવ વધારાને લઇ રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતુ કે ખાતરમાં ભાવ વધારો કરતાં પહેલા ટેકાના ભાવમાં પણ વધારો જાહેર કરવો જોઈએ. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતાં ખેતી કરવી મોંઘી થઈ જશે. દવા બિયારણના ભાવ બાદ હવે ખાતરનો ભાવ વધારોએ ખેતી ભાંગી નાખશે. ખેડૂતો મજબૂર થઈને ખેતી છોડી રહ્યાં છે. સરકાર ઉદ્યોગપતિઓને જમીનની લહાણી કરે છે. તો ટેક્સની માફી અને વીજ બીલમાં પણ રાહત આપે છે. જ્યારે ખેડૂતોને એક બાદ એક ડામ આપે છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર ચૂંટણી સમયે ભાવ વધારો કરે તે નવીન વાત કહેવાય. જો કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી સરકાર શું પગલા ભરે છે તે જોવું રહ્યું.
માંગરોળમાં ખેડૂતોની સ્થિતિ દયનિય
માંગરોળના ખેડૂતોએ ખાતરના ભાવ વધારાને લઇ રોષ વ્યક્ત કર્યો. ખેડૂતોએ કહ્યું હતુ કે ખાતરમાં એક થેલીમાં રૂપિયા 300 જેટલો ભાવ વધતાં ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાતરની એક થેલીના રૂપિયા એક હજાર 200 હતા. જે વધીને રૂપિયા એક હજાર પાંચસો થઇ ગયા છે. બીજી તરફ દવાના ભાવમાં પણ 30 ટકા ભાવ વધારો થતા ખેડૂતોની હાલત દયનીય બની છે.
નવસારીના ખેડૂતોની પીડા
મોંઘવારીના માર વચ્ચે હવે રાસાયણીક ખાતરના ભાવમાં વધારો થયો છે. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે નવસારીની સદલાવના ખેડૂતોનું કહેવું છે કે, ઢોરના દાણ મોંઘા થયા છે. સરકાર એક બાજુ ગાય આધારિત ખેતીની વાતો કરે છે. તો બીજી તરફ ખાતરની કિંમતમાં વધારો કરી રહી છે. સરકાર રાસાયણિક ખાતરના ભાવમાં નિયંત્રણ નહી લાદે તો ખેડૂતોની સ્થિતિ કફોડી બની શકે તેમ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31