Last Updated on February 27, 2021 by
વિશ્વભરના શેરબજારોમાં આજે બ્લેક ફ્રાઇડેનું નિર્માણ થવા પામ્યું હતું. અમેરિકાના બોન્ડની ઊપજ વધીને વર્ષની ટોચે પહોંચી જવાના અહેવાલો પાછળ આજે ભારત સહિત વિશ્ભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. ભારતીય શેરબજારમાં આજે બીએસઈ સેન્સેક્સમાં 1939 અને નિફટીમાં 568 પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. બીજી તરફ હૂંડિયામણ બજારમાં પણ આજે અમેરિકન ડોલર સામે રૂપિયામાં ગાબડું નોંધાતા તે 73.47ના તળિયે ઉતરી આવ્યો હતો. જે બંધ બજારે ખાનગીમાં 74 સુધી ઉતરી આવ્યો હતો.
અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડને અર્થતંત્રને વેગ આપવા ભરેલા પગલાથી અમેરિકાના બોન્ડની ઊપજ વધીને એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જતા ગઇકાલે અમેરિકન શેરબજારને આંચકો આવ્યો હતો. આ અહેવાલ પાછળ આજે વિશ્વભરના શેરબજારોમાં પીછેહઠ થવા પામી હતી. આ અહેવાલની ભારતીય શેરબજાર પર પણ અસર થવા પામી હતી.
આ ઉપરાંત દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો તેમજ ઈંધણ અને કોમોડિટીના ભાવ વધતા ફુગાવો વધવાની દહેશત સહિતના અન્ય અહેવાલોની પણ ભારતીય શેરબજારના માનસ પર પ્રતિકૂળ અસર થતા બજારમાં આજે પ્રચંડ કડાકો બોલાઇ ગયો હતો.
આ અહેવાલો પાછળ આજે મુંબઇ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મોટા ગેપડાઉન સાથે થયા બાદ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલા વેચવાલીના ભારે દબાણે આજે શેરોની જાતેજાતમાં ગાબડા પડતા સેન્સેક્સ ઈન્ટ્રાડે તૂટીને 48890.48 સુધી પટકાયા બાદ કામકાજના અંતે 1939.32 પોઈન્ટ તૂટીને 49099.99ની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સના પ્રચંડ ગાબડા
તારીખ | ગાબડું |
(પોઈન્ટમાં) | |
23 માર્ચ ’20 | 3935 |
12 માર્ચ ’20 | 2919 |
16 માર્ચ ’20 | 2713 |
4 મે ’20 | 2002 |
9 માર્ચ ’20 | 1941 |
26 ફેબુ્ર. ’21 | 1939 |
એનએસઈ ખાતે પણ આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે નિફટી ઈન્ટ્રાડે 14467 સુધી ખાબકી કામકાજના અંતે 568.20 પોઈન્ટ તૂટીને 14529.15ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઈ માર્કેટ કેપ.) રૂા. 5.37 લાખ કરોડનું ધોવાણ થઇ જતા કામકાજના અંતે તે 200.81 લાખ કરોડ રહી હતી. હજુ ગઇકાલે જ માર્કેટ કેપ. વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.
વિશ્વના શેરબજારોમાં ઘટાડો
દેશ/ઈન્ડેક્સ | ગાબડુ |
(પોઈન્ટમાં) | |
અમેરિકા/ડાઊ | 358.14 |
અમેરિકા/નાસ્ડેક | 13.24 |
યુકે/ફીટસી | 131.90 |
ફ્રાન્સ/CAC | 71.93 |
જર્મની/ડેક્સ | 79.69 |
જાપાન/નિક્કાઇ | 1202.26 |
સિંગાપોર/સ્ટ્રેઇટ | 24.50 |
હોંગકોંગ/હેંગસેંગ | 1093.96 |
તાઇવાન/ટેઇપી | 408.38 |
દ.કોરીયા/કોસ્પી | 86.74 |
ઈન્ડોનેશીયા | 47.85 |
ચીન/શાંગહાઇ | 75.97 |
દરમિયાન શેરબજારમાં કડાકાની સાથોસાથ વિદેશી રોકાણકારોએ મોટાપાયે વેચવાલી હાથ ધરતા હૂંડિયામણ બજારમાં રૂપિયો ઝડપથી તૂટયો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયો 73.04ના મથાળે ખુલ્યા બાદ 72.95 અને 73.50 વચ્ચે અથડાયા બાદ કામકાજના અંતે 73.47ના મથાળે બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે 103 પૈસા તૂટયો હતો.
વિશ્વભરના શેરબજારો તૂટયા
અમેરિકાના બોન્ડની ઊપજમાં વધારો થયાના અહેવાલોની વિશ્વભરના શેરબજારો પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. ચોમેરથી વેચવાલીના દબાણ પાછળ આજે એશિયાઇ – યુરોપના બજારો તૂટયા હતા. જો કે, ભારતીય સમય મુજબ મોડી સાંજે ખુલતા અમેરિકી શેરબજારોમાં કામકાજના પ્રારંભે પીછેહઠ જારી રહી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31