Last Updated on February 25, 2021 by
દેશમાં ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અચાનક કોરોના વાઇરસે કેટલાક રાજ્યોમાં ઉથલો માર્યો છે, ત્યારે બીજી તરફ સરકારે રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવી દીધી છે. પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયનાને આવરી લેવામાં આવશે. સાથે જ જેમને બિમારી હોય અને ૪૫ વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને પણ પહેલી માર્ચથી રસી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.
૬૦ વર્ષથી વધુ વયનાને આવરી લેવામાં આવશે
બીજા તબક્કામાં ૧૦ હજાર સરકારી કેન્દ્રો પર જ્યારે ૨૦ હજાર ખાનગી કેન્દ્રો પર આ રસી આપવામાં આવશે. જોકે ખાનગી કેન્દ્રો પર રસી આપવાનો શું ચાર્જ લેવામાં આવશે તેની સ્પષ્ટતા ટૂંક સમયમાં કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ૪૫ વર્ષથી વધુ વયના એવા લોકોને પણ રસી અપાશે કે જેઓમાં કોઇને કોઇ બિમારી હોય, અને આ બિમારી ક્યા પ્રકારની અને કેવી હોવી જરુરી છે તેની જાણકારી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સરકારી કેન્દ્રો પર રસી મફતમાં અપાશે પણ ખાનગી કેન્દ્રો પર ચાર્જ લેવામાં આવશે, કેટલા ચાર્જ આપવા પડશે તેની જાહેરાત ચાર-પાંચ દિવસમાં કરાશે.
ખાનગી કેન્દ્રો પર ચાર્જ લેવામાં આવશે,
બીજા તબક્કામાં દેશભરમાંથી આશરે ૨૭ કરોડ લોકોને આવરી લેવાશે. અગાઉ એવા અહેવાલો હતા કે બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યોના બધા જ મુખ્ય મંત્રીઓ, સાંસદો, અને ધારાસભ્યોને પણ રસી આપવામાં આવી શકે છે. જોકે આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. જે લોકોની વયની ૪૫ વર્ષથી વધુની હોય તેમને ડાયાબિટિસ, હાયપરટેંશન, હાર્ટ સંબંધી બિમારીઓ, કેંસર જેવી બિમારી હોય તેમને પણ બીજા તબક્કામાં આવરી લેવામાં આવી શકે છે તેમ અગાઉ આઇસીએમઆરના એડવાઇઝર ડો. સુનિલ ગર્ગએ કહ્યું હતું. જોકે સરકારે આ હજુસુધી બિમારીના કોઇ પ્રકારોની જાહેરાત નથી કરી, આગામી દિવસોમાં તેની પણ સ્પષ્ટતા કરી લેવામાં આવશે.
દરમિયાન રસી લીધા બાદ મોત નિપજ્યાની ઘટના મધ્ય પ્રદેશમાં સામે આવી છે. મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના ૬૦ વર્ષના કર્મચારી રજની સેનને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો, જેના થોડા જ કલાકોમાં તેમનું મોત નિપજ્યું હતું. બપોર બાદ તેમણે રસી લીધી અને રાત્રે તેમને દુખાવો થવા લાગ્યો હતો જેને પગલે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. તેમનો પીએમ રિપોર્ટ હજુ સામે નથી આવ્યો.
જ્યારે રસીકરણના બીજા તબક્કાની જાહેરાત ચાલી રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે જે પણ નેતાઓ ૬૦ વર્ષથી વધુ વયના હોય અને ૪૫ વર્ષની વધુ વયના હોય તેમજ બિમારી હોય તો તેઓ ઇચ્છે તો રસી લઇ શકે છે. જ્યારે કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓ રસીનો ચાર્જ આપવા માટે તૈયાર છે. જોકે અન્ય દેશોમાં નેતાઓ પહેલા રસી લઇ રહ્યા છે, તેવું ભારતમાં કેમ નથી થઇ રહ્યું તેવા સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે તે દ્રષ્ટીકોણ પર નિર્ભર કરે છે. અહીં અમે પહેલા અમારા સ્વાસ્થ્ય કર્મીઓને પ્રાથમિક્તા આપવા માગીએ છીએ. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના કેસોમાં અચાનક વધારો થઇ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના કેસોમાં અચાનક વધારો
છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૮૦૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. જ્યારે ૮૦ લોકોના મોત નિપજ્યા છે. જેને પગલે કેન્દ્ર સરકારે આવા રાજ્યોમાં પોતાની ટીમો દોડાવી છે. કેન્દ્ર સરકારની આ ટીમો ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટકા, જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યોમાં જશે અને સ્થિતિ અંગે જાણકારી મેળવશે. હાલ જે રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધવા લાગ્યા છે ત્યાંના નાગરિકો દિલ્હી પ્રવેશ કરે તો તે પહેલા નેગેટિવ રિપોર્ટ આપવો પડે તેવી શક્યતાઓ છે. આ અંગે દિલ્હી સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. અગાઉ આ જ પ્રકારનો નિર્ણય કર્ણાટક સરકાર લઇ ચુકી છે. બીજી તરફ દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩,૭૨૪ કેસો સામે આવ્યા છે જ્યારે વધુ ૧૦૪ લોકોના મોત નિપજ્યા છે.
નવો કોરોના વાઇરસ વધુ જોખમી, લક્ષણોમાં વધારો થયો
ભારતમાં બ્રિટિશ, આફ્રિકન અને બ્રાઝિલિયન કોરોના વાઇરસનો પણ પ્રવેશ થઇ ચુક્યો છે. જે અગાઉથી જ સક્રિય વાઇરસ કરતા અલગ માનવામાં આવે છે અને તેના લક્ષણો પણ અલગ છે. ૨૦૧૯માં ચીનના વુહાનથી વિશ્વમાં ફેલાયેલા કોરોનાના લક્ષણોમાં તાવ, ઉધરસ આવવી, સ્વાદ-ગંધ ઓળખવામાં મુશ્કેલી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નવા કોરોના વાઇરસના લક્ષણો તેનાથી અલગ છે.
બ્રિટનથી આવેલા વાઇરસના લક્ષણોમાં ગળામાં ખરાશ, શરીરમાં દુ:ખાવો થવો, ડાયરિયા, કંજક્ટિવાઇટિસ, માથાનો દુખાવો, ચામડી પર ખંજવાળ આવવી, આંગળીઓનો કલર બદલાઇ જવો વગેરે. જે લોકોના શરીરનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય તેઓએ ટેસ્ટ કરાવી લેવો જોઇએ તેવી સલાહ એનએચએસ દ્વારા અપાઇ છે. નવો કોરોના વાઇરસ અગાઉ કરતા પણ વધુ જોખમી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેને પગલે લોકોએ સાવચેત રહેવા અને નિયમિત ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપવામા આવી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31